Activities
સ્કૂલ બોર્ડ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ

 • કન્યા કેળવણી રથયાત્રા અને પ્રવેશ મહોત્સવ

  અમદાવાદ મ્‍યુનિ. સ્‍કૂલ બોર્ડની તમામ શાળાસંકુલોમાં પ્રતિ વર્ષ જૂન માસમાં કન્‍યા કેળવણી રથયાત્રા અને પ્રવેશ મહોત્‍સવની ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવે છે.

  આ કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે તમામ મ્‍યુનિ. શાળાના આચાર્યશ્રીઓને વિસ્‍તૃત આયોજન અને સઘન માર્ગદર્શન પૂરું પાડવા માટે એક ચિંતનબેઠકનું આયોજન કરવામાં આવે છે.

  પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અગાઉ સમાજમાં શિક્ષણપ્રત્‍યે જાગૃતિ આવે તે માટે સ્‍થાનિક વિસ્‍તારમાં સ્‍થાપિત મહાનુભાવોની પ્રતિમા સફાઇનું તેમજ શાળા સફાઇનું આયોજન કરવામાં આવે છે. વાલીઓ પોતાના બાળકોના શિક્ષણપ્રત્‍યે જાગૃત બને તેવા તથા પ્રવર્તમાન સમાજની સમસ્‍યાઓ રજૂ કરતાં શેરી નાટકો મ્‍યુનિ. શાળાઓના આસપાસના પોકેટ એરિયામાં પ્રસ્‍તુત કરવામાં આવે છે. તમામ શાળાઓમાં પ્રવેશોત્‍સવના આયોજન અંગે વાલી સંમેલનનું આયોજન પણ કરવામાં આવે છે.

  શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને કુમકુમ તિલક કરી સ્‍વાગત કરવામાં આવે છે. આ બાળકોને સ્‍કૂલબેગ, વોટરબેગ, સ્‍લેટ, દેશી હિસાબ, પેન્‍સિલ , ફૂટપટ્ટી, રબર, બૂટ-સેન્‍ડલ, શર્ટ-ચડ્ડી, ફ્રોક, મોજાં વગેરેની કીટ સ્‍કૂલ બોર્ડ તરફથી આપવામાં આવે છે. ધોરણ – ૧માં પ્રવેશ મેળવતી કન્‍યાઓને વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ આપવામાં આવે છે. આ કાર્યક્રમ દરમ્‍યાન શિષ્‍યવૃત્તિના લાભાર્થીઓને શિષ્‍યવૃત્તિ વિતરણ કરવામાં આવે છે.

 • ઘરખાનગી અભ્યાસ પરીક્ષા
  કેટલાક કારણોસર કોઇપણ બાળક શાળામાં જઇ અભ્‍યાસ કરી શક્યો ન હોય કે અધવચ્‍ચેથી અભ્‍યાસ છોડી દીધો હોય અને જેની ઉંમર ૬ થી ૧૪ વર્ષની વચ્‍ચેની હોય તેમજ જે બાળકો અમદાવાદ શહેર કોર્પોરેશન વિસ્‍તારની કોઇપણ માન્‍ય ખાનગી શાળા કે મ્‍યુનિ. શાળામાં દાખલ થયા સિવાય ઘરે અભ્‍યાસ કરીને પરીક્ષા આપી ઉત્તીર્ણ થઇ અમદાવાદ શહેરની કોઇપણ માન્‍ય ખાનગી કે મ્‍યુનિ. શાળામાં દાખલ થઇ આગળ અભ્‍યાસ કરવા ઇચ્‍છતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ – ૧ થી ૬ની ઘરખાનગી અભ્‍યાસ પરીક્ષા પ્રતિવર્ષ લેવામાં આવે છે.

 • ગુણોત્સવ સંદર્ભે ચિંતન બેઠક અને ગુણોત્સવ કાર્યક્રમ

  ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં યોજાતા ગુણોત્‍સવ કાર્યક્રમ દરમ્‍યાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરેલ ટીમ દ્વારા શાળાઓમાં થતા ધોરણ – ૩ થી ૭માં વિદ્યાર્થીઓના ગુણાત્‍મક પરીક્ષણ સંદર્ભે મ્‍યુનિ. શાળાના આચાર્યશ્રીઓ તથા તમામ શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવા સારુ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવે છે.

  ગુણોત્‍સવની સમગ્ર રૂપરેખા ઉપરાંત શાળાના સમગ્ર શૈક્ષણિક માહોલ, સુચારુ વર્ગવ્‍યવસ્‍થા, શાળા-પર્યાવરણ, વિદ્યાર્થીઓની વાચન-ગણન-લેખનની ક્ષમતા, ભૌતિક સુવિધાને વધુ સજ્જ કરવા માટે યથોચિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

  શિક્ષક-વિદ્યાર્થીઓની સજ્જતા ચકાસવા, શિક્ષણની ગુણવત્તા સુધારવા તથા શિક્ષણની પ્રક્રિયા વેગવંતી અને અસરકારક બનાવવાના હેતુસર તમામ મ્યુનિ. શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમમાં મ્યુનિ. કમિશનરશ્રી, કોર્પોરેશનના અધિકારીશ્રીઓ સાથે વિવિધ વિભાગના વડાઓએ મ્યુનિ. શાળાઓની મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શાળા પર્યાવરણ, શાળાની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરી જે તે શાળાનું શૈક્ષણિક સ્તર નક્કી કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

 • વિજ્ઞાન-ગણિત પ્રદર્શન

  જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર, જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ શહેર જિલ્‍લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ શહેર તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શહેરકક્ષાની પ્રાથમિક શાળાઓ માટે પ્રતિવર્ષ 'વિજ્ઞાન-ગણિત પ્રદર્શન'નું આયોજન કરવામાં આવે છે.

  હવામાન ફેરફારના કારણો અને અસરો, પ્રદૂષણમુક્ત ઉર્જા, માનવ કલ્‍યાણ-સુખાકારીમાં જીવવિજ્ઞાનનો ફાળો, માહિતી અને પ્રત્યાપન પ્રૌદ્યોગિકી, ગણિતશાસ્‍ત્ર, રોજબરોજનું જીવન, રમતગમત ખેલકૂદ ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ આધારિત સ્‍વનિર્મિત રચનાઓ પ્રાથમિક વિભાગના બાળવૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવે છે. તેને જોવાનો તેમજ સમજવાનો લાભ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો લે છે.

 • ટ્રાફિકસેન્‍સ અંગેની તાલીમ
  મ્‍યુનિ. શાળાના બાળકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે સંદર્ભે તેમની જાગૃતિ કેળવાય તે માટે શહેર પોલીસ કમિશનરશ્રીની ટ્રાફિક શાખાના સહયોગથી ટ્રાફિક ચિલ્‍ડ્રન પાર્ક, સરદારબાગ, લાલદરવાજા ખાતે વાસણા શાળા નં. ૧, ૩, ૫ના સ્‍કાઉટ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ૨૦૫ બાળકોને પ્રથમ તબક્કામાં તાલીમ આપવામાં આવી. તબક્કાવાર રીતે આ પ્રકારની તાલીમ તમામ મ્‍યુનિ. શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવનાર છે.

 • સ્‍ટુડન્‍ટ એચિવમેન્‍ટ પ્રોફાઇલ
  ધોરણ – ૪ અને ૭ ધરાવતી તમામ મ્‍યુનિ. શાળાઓમાં સરકારશ્રી દ્વારા 'સેપ' (સ્‍ટુડન્‍ટ એચિવમેન્‍ટ પ્રોફાઇલ) અંતર્ગત આગળના વર્ષના ધોરણ- ૪ અને ૭ના બાળકોની મૂલ્‍યાંકન કસોટી પ્રતિવર્ષ લેવામાં આવે છે.

 • હિન્દી જ્ઞાન પરીક્ષા પુરસ્કા.ર વિતરણ સમારોહ
  મ્‍યુનિ. સ્‍કૂલ બોર્ડ, અમદાવાદના ધોરણ – ૪ થી ૭ના વિદ્યાર્થીઓને રાષ્‍ટ્રભાષા પ્રચાર સમિતિ, એલિસબ્રીજ અમદાવાદ દ્વારા વર્ધા હિન્‍દીની પરીક્ષાઓ લેવામાં આવે છે. વર્ધાની પરીક્ષા હિન્‍દી જ્ઞાન પ્રથમા અને પ્રવેશિકામાં શહેરમાં સર્વપ્રથમ આવનાર ત્રણ વિદ્યાર્થીઓ, ઝોનમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પુરસ્‍કાર તથા વધુ સંખ્‍યામાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસાડનાર શાળાઓને વિજયપદ્મ એવોર્ડ વિતરણ કરવામાં આવે છે. જે શાળાઓએ વર્ધાની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડ્યા હોય તે તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, વિજેતા બાળકો તથા તેમના વાલીઓને પણ બિરદાવવામાં આવે છે.

 • યુનિવર્સિટી પદવીદાન સમારંભ
  મ્‍યુનિ. સ્‍કૂલ બોર્ડના બાળકો શિક્ષણના વિવિધ ક્ષેત્રો વિશે જાણકારી મેળવે તથા તેમનામાં ઉચ્ચ અભ્‍યાસ કરવાની ખેવના જાગે તે હેતુથી વિવિધ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં તેઓ હાજર રહે તેવું આયોજન કરવામાં આવે છે. આ આયોજનના ભાગ સ્‍વરૂપે મ્‍યુનિ. સ્‍કૂલ બોર્ડના બાળકોને ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં તથા ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં જોડવામાં આવે છે.

 • શિક્ષકો માટે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા
  મ્‍યુનિ. સ્‍કૂલ બોર્ડની શાળાઓના શિક્ષકો પોતાના વિચારોને મુક્ત રીતે વ્‍યક્ત કરી શકે તે હેતુથી પ્રથમ શાળાકક્ષા ત્‍યારબાદ બીટકક્ષા, ઝોનકક્ષા અને અંતમાં આંતરઝોન કક્ષાની શીઘ્ર વક્તૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્‍કૂલ બોર્ડના શિક્ષકો ભાગ લઇ નિર્ધારિત વિષયો પર વકતૃત્વ આપે છે.

 • વિવિધ કલાકૌશલ્ય સ્પર્ધા

  મ્‍યુનિ. સ્‍કૂલ બોર્ડની શાળાઓમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ શક્તિઓને બહાર લાવવા અને વિકસાવવા વિવિધ કલાકૌશલ્ય સ્‍પર્ધા અંતર્ગત નિબંધ, વક્તૃત્વ, ચિત્ર અને સુલેખન સ્‍પર્ધાઓ ધોરણ – ૧ થી ૮ ના તમામ બાળકો માટે પ્રતિવર્ષ યોજવામાં આવે છે.

  શાળાકક્ષાએ યોજાયેલ દરેક સ્‍પર્ધાના ધોરણવાર પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને બીટકક્ષાએ ભાગ લેવા માટે બોલાવવામાં આવે છે. બીટકક્ષા તથા ઝોનકક્ષાની વિવિધ સ્‍પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા વિદ્યાર્થીઓને આંતર ઝોનકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવડાવવામાં માટે શહેરકક્ષાની સ્‍પર્ધા યોજવામાં આવે છે. આ સ્‍પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.

 • કાંકરિયા કાર્નિવલ

  અમદાવાદ મહાનગરની એક આગવી ઓળખ બની ગયેલ અતિપ્રાચીન કાંકરિયા તળાવની પાળે પ્રતિવર્ષ ૨૫ થી ૩૧ ડિસેમ્‍બર દરમ્‍યાન કાંકરિયા કાર્નિવલ ઉત્‍સવ યોજવામાં આવે છે.

  આ ઉત્‍સવમાં કાંકરિયાની પાળ પર મ્‍યુનિસિપલ શાળાના બાળકો દ્વારા થીમ આધારીત રંગોળી તૈયાર કરવામાં આવે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રન ફોર કાંકરિયામાં મ્‍યુનિ. શાળાના શિક્ષકો તથા બાળકો સ્‍વેચ્‍છાએ મોટી સંખ્‍યામાં જોડાય છે. આ ઉપરાંત સૂર્યનમસ્‍કાર, યોગનિદર્શન, ગરબા, બૅન્‍ડ જેવી પ્રવૃત્તિઓમાં પણ મ્‍યુનિ. શાળાના બાળકો તથા શિક્ષકો દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવે છે.


 • વાયબ્રન્ટ ગુજરાત તથા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
  પ્રતિવર્ષ યોજાતા વાયબ્રન્‍ટ ગુજરાત તથા આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ કાર્યક્રમમાં મ્‍યુનિસિપલ શાળાઓનાં ૫૦૦૦ થી વધુ બાળકો સૂર્યનમસ્‍કાર અને યોગની રજૂઆત કરે છે.

 • ગરીબ કલ્યાણ મેળો

  રાજ્ય સરકાર આયોજિત ગરીબ કલ્‍યાણ મેળામાં મ્‍યુનિ. શાળાના લાભાર્થી બાળકોને 'સ્‍કોપ'  તાલીમના પ્રમાણપત્ર અને શાળાઆરોગ્‍ય તપાસણી દરમ્‍યાન નબળી આંખો ધરાવતાં બાળકોને ચશ્‍માનું વિતરણ કરવામાં આવે છે.


 • વાચન સપ્તાહ
  તમામ મ્‍યુનિ. શાળાઓમાં પ્રતિવર્ષ વાચન સપ્‍તાહની ઉજવણી કરવામાં આવે છે. શાળાકક્ષાએ છેલ્‍લા બે તાસમાં ધોરણ – ૩ થી ૪, ધોરણ – ૫, ૬ અને ધોરણ – ૭ આમ ત્રિસ્‍તરીય આયોજન કરવામાં આવે છે. ત્‍યારબાદ શાળાકક્ષાએ જે સ્‍તરે પ્રથમ આવેલ તથા વોર્ડકક્ષાએ પ્રથમ આવનારને પુરસ્‍કૃત કરવામાં આવે છે.

 • વક્તૃત્વ સ્પર્ધા

  સ્‍કૂલબોર્ડના વિદ્યાર્થીઓમાં રહેલી વક્તૃત્વકલાને વિકસાવવાની તક પૂરી પાડવા માટે સ્‍કૂલ બોર્ડ અને રોટરી ક્લબ, અમદાવાદ મેટ્રોના સંયુક્ત ઉપક્રમે 'સોનાબા શાહ' વક્તૃત્વ સ્‍પર્ધા(રોટેટીંગ ટ્રોફી)નું આયોજન છેલ્‍લા પાંચ વર્ષથી કરવામાં આવે છે. શાળાકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવતા વિજેતા વિદ્યાર્થીઓની બીટકક્ષાની તથા ઝોનકક્ષાની સ્‍પર્ધા યોજવામાં આવે છે. ઝોનકક્ષાએ વિજેતા બાળકોની આંતરઝોન(શહેર) કક્ષાની વક્તૃત્વ સ્‍પર્ધા યોજવામાં આવે છે.


 • મેરિટ સ્કૉલરશિપ પરીક્ષા

  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સ્‍કૂલ બોર્ડની શાળાઓમાં ધોરણ ૪માં અભ્‍યાસ કરતાં બાળકો પૈકી ૭૦ ટકા થી વધુ ગુણ મેળવી ઉત્તીર્ણ થયેલ બાળકો માટે 'મેરિટ સ્‍કૉલરશિપ' પરીક્ષાનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે. આ પરીક્ષામાં ૭૦ ટકા થી ઉપર ગુણ મેળવતા વિદ્યાર્થીઓનું નિયમ મુજબ મેરિટ લીસ્‍ટ બનાવી તેમને રૂા. ૫૦૦ સ્‍કૉલરશિપ આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને ધોરણ – ૫ થી ૭ દરમ્‍યાન દર વર્ષે કૃપા ગુણ સિવાય પ્રત્‍યેક વિષયમાં ૭૦ ટકા ગુણ સાથે સંતોષકારક પ્રગતિ દાખવે તો સતત ત્રણ વર્ષ સુધી સ્‍કૉલરશિપ આપવામાં આવે છે.


 • પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા
  સ્‍કૂલ બોર્ડ, અમદાવાદના વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી કળાને ચિત્રકામ તેમજ રંગપૂરણી દ્વારા અભિવ્‍યક્ત કરી સિદ્ધિ મેળવી શકે તે હેતુસર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા લેવાતી પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનું આયોજન પ્રતિવર્ષ એલિસબ્રીજ શાળા નં. ૨૮ તથા સ્‍કાઉટભવન, પાલડી ખાતે કરવામાં આવે છે.

 • ચેસ તાલીમ
  તમામ મ્‍યુનિ. શાળાઓમાં રમાડવામાં આવતી વ્‍યક્તિગત અને સાંઘિક રમતોની સાથે સાથે ઇન્‍ડોર રમત તરીકે ચેસની રમતનો પણ સામાવેશ કરવામાં આવે છે. ચેસની રમત દ્વારા વિદ્યાર્થીઓ માનસિક રીતે સજ્જ બને તે હેતુથી મ્‍યુનિ. શાળાના શિક્ષકો તથા આચાર્યોને પાંચ દિવસની તાલીમ પણ આપવામાં આવે છે. આ તાલીમની સાથે સાથે શાળાકક્ષાએ ચેસની કીટ, ચેસ અંગેની માર્ગદર્શિકા તેમજ શિક્ષક દીઠ પણ ચેસની કિટ આપવામાં આવે છે.

 • બાળરમતોત્સવ

  મ્યુનિ. શાળાઓમાં પ્રતિવર્ષ શાળાકક્ષા ત્યારબાદ બીટકક્ષાના બાળરમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. શાળાકક્ષા તથા બીટકક્ષાના રમતોત્સવ બાદ ઝોનકક્ષાનો બાળ રમતોત્સવ પાંચેય ઝોનમાં જુદા જુદા કેન્દ્રો ખાતે આયોજિત કરવામાં આવે છે. જેમાં બીટકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્ર્મે વિજેતા થયેલ વિદ્યાર્થીઓએ તેમજ સાંધિક રમતોમાં પ્રથમ તથા દ્વિતીય ક્ર્મે વિજેતા થયેલ વિદ્યાર્થીઓ ભાગ લે છે.


 • બાળમેળો
  પ્રતિવર્ષ તમામ શાળાઓમાં બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધોરણ – ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ રંગપૂરણી, અભિનયગીત, છાપકામ, ચીટકકામ, કાગળકામ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. ધોરણ – ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ ચિત્રકામ, અભિનયગીત, રંગોળી, માટીકામ, પ્રયોગ અને નાટક જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી શકિતઓ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવામાં આવે છે. આ બાળમેળામાં સ્કૂલબોર્ડ સદસ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી રજૂ થયેલ પ્રવૃત્તિઓ નિહાળી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રોત્સાહિત કરે છે.

 • વાલીદિન
  સ્કૂલબોર્ડ સંચાલિત તમામ શાળાઓમાં પ્રતિવર્ષ વાલીદિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અંગે તેમના વાલીઓને માહિતગાર કરવામાં આવે છે. તદ્ઉપરાંત વિદ્યાર્થીઓની નિયમિતા, ગૃહકાર્ય, સ્વચ્છતા જેવી બાબતો અંગે શિક્ષકો ઉપસ્થિત વાલીઓ સાથે વાર્તાલાપ કરે છે.

 • અનુપમ શાળા પ્રોજેકટ

  પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શાળાઓમાં શૈક્ષણિક માહોલ ઊભો કરવા શૈક્ષણિક વર્ષ ૨૦૦૭-૨૦૦૮ના શરૂઆતના તબક્કે મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા અનુપમ શાળા પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. પ્રાયોગિક ધોરણે ઝોનવાર બે-બે શાળાઓને અનુપમ શાળાના દરજ્જા સુધી વિક્સાવવામાં આવેલ છે. ત્યારબાદ સ્કૂલ બોર્ડની ૨૨૫ શાળાઓને આ પ્રોજેકટ અંતર્ગત આવરી લેવામાં આવેલ છે. પ્રોજેકટના બે તબક્કામાં સ્‍કૂલ બોર્ડની તમામ શાળાઓને અનુપમ દરજજા સુધી વિકસાવવાની યોજના હાથ ધરવામાં આવી છે.


 • જિલ્લા રેલી અને કબ બુલબુલ ઉત્સવ

  અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ જિલ્લા સ્કાઉટ સંઘ દ્વારા પ્રતિવર્ષ જિલ્લા સ્કાઉટ ગાઈડ રેલી યોજવામાં આવે છે.

  પાંચ દિવસના રાત્રી રોકાણ સહિત યોજાનાર આ જિલ્લા રેલી તથા કબ-બુલબુલ ઉત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લે છે.  પ્રભાતફેરી, છાવણી નિરીક્ષણ, યોગ, ધ્વજવંદન, માર્ચપાસ્ટ, કુકીંગ, પાયોનિયરીંગ, પીજન્ટ, કેમ્પ-ફાયર, કલરવ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ સ્કાઉટર્સ – ગાઈડર્સ બાળકો સાચા અર્થમાં સ્કાઉટીંગ પ્રવૃત્તિનો અનુભવ લે છે.  કેમ્પ-ફાયર કાર્યક્રમમાં બાળકો નાટક, સમૂહગાન, શૌર્યગીત, નૃત્ય, ગરબા જેવી પ્રવૃત્તિઓ રજૂ કરી સહુને પોતાની કલાથી પ્રભાવિત કરે છે.  કાર્યક્રમના અંતે વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થનાર સ્કાઉટ-ગાઈડ બાળકોને મહાનુભાવો હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવે છે.

 • સાયન્સ સિટીની મુલાકાત
  મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓના ધોરણ – ૫ થી ૭ના વિદ્યાર્થીઓને સાયન્સ સીટી, સોલાની નિ:શુલ્ક મુલાકાત લેવાની તક સ્કૂલ બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવે છે. સાયન્સ સીટીમાં આવેલ જુદા-જુદા વિભાગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક વિશાળ માહિતી પ્રાપ્ત કરી ગમ્મત સાથે જ્ઞાન અને પ્રત્યક્ષ વિજ્ઞાનનો અનુભવ પ્રાપ્ત કરે છે.

 • સમર કૅમ્પ
  મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં પ્રતિવર્ષ વેકેશન દરમ્યાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. બાળકો રોજબરોજની શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓ દ્વારા જીવન જીવવાની કળા હસ્તગત કરે અને તે દ્વારા પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી સમાજને ઉન્નતિ તરફ દોરી જાય તથા વેકેશનના સમયનો સદ્પયોગ થાય તે હેતુસર યોજવામાં આવનાર આ કેમ્પમાં હેંગીંગ બ્રીજ, કમાન્ડો બ્રીજ, ટારઝન જમ્પ, ટનલ પાસીંગ, રાયફલ શુટીંગ, હાઈકીંગ, કેમ્પ-ફાયર, શિલ્પકળા, ચિત્રકળા, યોગ, રમતગમત તથા બૅન્ડ જેવી જીવન કૌશલ્યોના વિકાસની પ્રવૃત્તિને ઉત્તેજન મળે તેવું આયોજન કરવામાં આવે છે.

 • ચિંતન શિબિર
  પ્રાથમિક શિક્ષણ મેળવવા પાત્ર બાળકો શાળા-પ્રવેશ મેળવે, આઠ વર્ષનું ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તે તમામ સ્તરે અસરકારક આયોજન તેમજ અમલ થાય તે માટે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ગ – ૧ અને વર્ગ – ૨ના અધિકારીઓની એક દિવસીય શિબિરનું આયોજન  કરવામાં આવે છે.

 • ખેલ મહાકુંભ
  સમગ્ર ગુજરાતમાં ઉજવાયેલ સ્વર્ણિમ ખેલ મહાકુંભ-૨૦૧૦ ૧૮ કેન્‍દ્રો પર વોર્ડ કક્ષા (તા. ૨૨ થી ૨૫ નવેમ્બર), ૬ કેન્‍દ્રો પર ઝોનકક્ષા (તા. ૨૬ થી ૨૯ નવેમ્બર), અને શહેરકક્ષાની ૧૬ વિવિધ રમતોનું જુદા જુદા કેન્દ્રો પર(તા. ૦૧ થી ૦૪ ડિસેમ્બર) આયોજન કરવામાં આવ્યું. ત્‍યારબાદ દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન થાય છે. ખેલ મહાકુંભમાં ૧૬ વર્ષથી નીચેના ભાઈઓ તથા બહેનો અને ૧૬ વર્ષથી ઉપરના ભાઈઓ તથા બહેનોની કક્ષા અનુસારની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. અમદાવાદ શહેર ખાતેના આ સંપૂર્ણ આયોજનને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સારી રીતે પાર પાડવામાં આવે છે.

 • શિક્ષણ સંશોધન

  સંશોધન ક્ષેત્રના નિષ્ણાત Kathleen-New York તથા Viral Joshi બંને રીસર્ચફેલોએ M.S.W. ના ૧૮ વિદ્યાર્થીઓ તેમજ નિવૃત્ત શિક્ષકોની મદદથી આ કામગીરી હાથ ધરી છે.  ૩૨૧ મ્યુનિ. શાળાઓમાં આ સંશોધન પર કાર્ય થઈ રહ્યું છે.  શિક્ષણની ગુણવત્તા સાથે સીધીરીતે સંકળાયેલ આ સંશોધન ગુણવત્તાલક્ષી શિક્ષણમાં ખૂટતી કડીઓ પૂર્ણ કરવા માટે આવનાર સમયમાં ખૂબ જ માર્ગદર્શક પૂરવાર થશે. આ રીતે થતાં સંશોધનો શિક્ષણ અને વહીવટક્ષેત્રે ખૂબ જ ઉપકાર બની રહે છે.


 • 'પ્રજ્ઞા' પ્રોજેક્ટ
  કેટલીક મ્યુનિ. શાળાના ધોરણ- ૧ અને ૨માં 'પ્રજ્ઞા' પ્રોજેક્ટ હાથ ધરી બાળકોને પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનની પધ્ધતિથી ભાર વિનાના ભણતરનો અભિગમ અપનાવવામાં આવેલ છે. દરેક શાળમાં સમયપત્રક અનુસાર ગુણવત્તાસભર શિક્ષણકાર્ય થાય એ મ્યુનિ. સ્કૂલ બોર્ડનું પ્રથમ લક્ષ્ય રહ્યું છે.

 • શિક્ષક સેવાકાલીન તાલીમ

  સર્વશિક્ષા અભિયાન મિશન અંતર્ગત પ્રતિવર્ષ SSAM ની ગાઈડલાઈન અનુસાર પ્રાથમિક શિક્ષકોને સેવાકાલીન તાલીમમાં વિષયવસ્તુના તેમજ કૌશલ્યોના વિકાસ આધારિત તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ ડબલ મોડ એટલે કે ફેસ ટુ ફેસ તથા ડિસ્ટન્સ મોડથી આપવામાં આવે છે. આ તાલીમ ઑન એર અને ઑફ એરના માધ્યમથી આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

  આ તાલીમ અંતર્ગત શિક્ષકોને શીખવાની-શીખવવાની રચના, શિક્ષણમાં અનુબંધ અને વિષયોનું સંકલન, આદર્શ વર્ગવ્યવહાર, વર્તન-વ્યવહાર અને પ્રત્યાયન, વલણ ઘડતર અને હકારાત્મક વિચાર, નેતૃત્વ અને ટાઈમ મેનેજમેન્ટ, પ્રેરણા અને જીવન કૌશલ્ય, સ્કૂલ મેનેજમેન્ટ, કમ્પ્યૂટર સ્કીલ, દૂરવર્તી શિક્ષણ, અહેવાલ લેખન, વ્યાખ્યાન પધ્ધતિ, જૂથચર્ચા પધ્ધતિ, સ્વાધ્યાય પધ્ધતિ, પ્રોજેક્ટ બેઈઝ લર્નિંગ, પ્રવૃત્તિ આધારિત તાલીમ તથા દ્રશ્ય-શ્રાવ્ય સાધનોના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવે છે.

 • પૂર્વ પ્રાથમિક વર્ગના શિક્ષકો અને તેડાગર બહેનોને તાલીમ
  મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદ દ્વારા તમામ પૂર્વપ્રાથમિક વર્ગના શિક્ષકોની સજ્જ્તા વધે અને અભ્યાસક્ર્મનું પુન:ગઠન થાય તે માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવે છે. પૂર્વપ્રાથમિક કક્ષાએ બાળકોને રમત, પ્રવૃતિ, ગીત, સંગીત, અભિનય, વાર્તાક્થન, અને પપેટના માધ્યમથી વધુ રસપ્રદ શિક્ષણ કેમ આપી શકાય તે અંગેનું તજજ્ઞ દ્વારા પદ્ધતિસરનું નિદર્શન આ શિબિરમાં કરવામાં આવે છે.

 • રેકિઝન ઉધોગવર્ગના શિક્ષકો માટે વર્કશોપ

  સ્‍કૂલ બોર્ડ અમદાવાદની શાળાઓમાં ચાલતા રેકિઝન ઉધોગ વર્ગના શિક્ષકો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ ઉધોગને અસરકારક અને જીવંત બનાવવા આ વર્ગના શિક્ષકો દ્વારા ચર્ચાવિમર્શ કરી અભ્યાસક્ર્મનું પુન:ગઠન કરવામાં આવે છે.


 • વિધાસહાયક નવસંસ્કરણ શિબિર

  સ્કૂલ બોર્ડ ખાતે નવનિયુકત વિધાસહાયકોને શૈક્ષણિક અને વ્યવસાયિક રીતે સજ્જ બનાવવા માટે પ્રતિવર્ષ 'વિધાસહાયક નવસંસ્કરણ શિબિર'નું આયોજન કરવામાં આવે છે.

  મ્યુનિ. શાળાઓને સુંદર માળખાકીય સુવિધાઓ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી પ્રાપ્ત થયેલ છે. વધુમાં ચાલુ વર્ષે મ્યુનિ. કોર્પોરેશન કેટલાક જરૂરિયાતવાળા વિસ્તારોમાં આધુનિક સ્કૂલોનું નિર્માણ શરૂ કરેલ છે. જરૂરિયાત મુજબ રિપેરીંગ તથા અન્ય સુવિધાઓ હાથ ધરવામાં આવેલ છે. વધુમાં શાળાઓમાં માળખાકીય અને શૈક્ષણિક બંને રીતે નામાંકિત એન.જી.ઓ.નો સહયોગ લઈ સામાજિક સહભાગીતાના આદર્શને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરી સ્લમ વિસ્તારના બાળકોને શિક્ષણની સાથે સાથે તેમનામાં રહેલ સુષુપ્ત શકિતઓ થકી પ્રતિભાને વિકસાવવા માટે જુદા જુદા નોંધપાત્ર કાર્યક્રમોમાં પ્લેટફોર્મ પૂરૂં પાડી સામાજિક સમરસતા ઊભી કરવાનો સંનિષ્ઠ પ્રયાસ થયો છે. અમદાવાદ મહાનગરના વિશાળ વ્યાપને જોતાં સેવાકાર્યને સમર્પિત એન.જી.ઓ. તેમજ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટીસીપેશન દ્વારા શિક્ષણના સ્તરને ઊંચુ લાવવાની દિશામાં પ્રયત્ન શરૂ કરેલ છે અને તેનો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.